Link copied!
Sign in / Sign up
10
Shares

નોકરિયાત માતા અને બાળકનો ઉછેર

નોકરિયાત માતાને પરિવાર, પતિ અને અન્ય સહયોગ મળી રહે તો બાળકને મૂકીને જવાનું તેને મુશ્કેલ પડતું નથી. માતા ઓફિસેથી આવે ત્યારે થોડો સમય બાળક ભલે તેની પાસે ન જાય, પણ ધીરે ધીરે તે ટેવાઇ જશે અને અનુકૂળ બની જશે. 

નોકરિયાત માતાએ બાળઉછેર, ઘર અને સામાજિક જવાબદારી સાથે ઓફિસનું કામ એમ ચારેયને પૂરતો ન્યાય આપવાની અદ્ભુત કળા કેળવવી પડે છે. સમયની ખેંચતાણમાં કોઇને અસંતોષ ન થાય તેનું ઘ્યાન રાખવું પડે છે. છતાં તેનું મન તો બાળકમાં જ હોય છે. 

નોકરિયાત માતા અને ધાવણું બાળક : 

બાળકને પહેલાં છ મહિના ફક્ત ધાવણ આપવું. નાછૂટકે છ મહિના પહેલાં સર્વિસમાં જોડાવું પડે તો કામનાં કલાકો દરમિયાન બાળક માટે શ્રેષ્ઠ પર્યાય છે, પોતાનું જ કાઢેલું ધાવણ. તે કેવી રીતે કઢાય અને સચવાય તે બાળકોનાં ડોક્ટર પાસે સમજી લેવું. તેનો ફાયદો એ છે કે કામની જગ્યાએ પણ માતાને માનસિક સંતોષ થાય છે કે બાળકને પોતાની ગેરહાજરીમાં પણ પોતાનું દૂધ મળે છે. આ ઉપરાંત, ઘરેલું અર્ધઘટ્ટ ખોરાક અથવા ટીનફૂડનો ઉપયોગ કરી શકાય, પણ બોટલનો ઉપયોગ ન જ કરવો. 

કૌટુંબિક મદદ : 

બાળકનાં દાદા-દાદી સાથે અથવા નજીકમાં રહેતાં હોય, તો ઓફિસનાં સમય દરમિયાન બાળકને તેમની પાસે રાખવાથી બધા કામ સરળ થઈ જાય. દાદા-દાદી પણ તેને ખવડાવવું, ગહકાર્ય કરાવવું, સ્કૂલે મૂકવા-લેવા જવું જેવાં કામ કદાચ માતા-પિતા કરતાં વધુ સારી રીતે કરી શકે. સાથે બાળકને ઉત્તમ સંસ્કાર મળે.

  પતિની મદદ :

વર્કિંગ વુમનને પતિનો પૂરતો સાથસહકાર હોય તો તેના અને બાળક માટે ખૂબ ફાયદાકારક છે. જો પતિ પોતાનાથી શકય ઘરનાં નાનાં-મોટાં કામ કરી લે તો પત્ની, બાળક માટે વધુ સમય ફાળવી શકે. બાળક પણ પોતાનાં પિતાને ઓફિસ ઉપરાંત ઘરની જવાબદારી નિભાવતાં જુએ તો તેમને પણ ઉત્તમ સંસ્કાર મળે. મોટા થઈને, તેઓ પણ જરૂર પડે ઘરનું કામ જીવનનો એક ભાગ જ છે તેમ સમજી શકશે. પતિ માટે પણ ઘરની જવાબદારી નિભાવવાથી, પત્નીનો કાર્યબોજ ઓછો થશે જ. પત્ની સાથે રહેવાનો તથા તેને સમજવાનો મોકો મળશે. 

આયા :

૨૦ વર્ષની છોકરીઓ અથવા ૩૫-૪૦ વર્ષનાં બહેન બાળકને સારી રીતે રાખી શકશે. આયાને પણ નાના બાળકો હોય તો તેનું મન પોતાનાં ઘરમાં વિશેષ રહે. તેને સામાન્ય લખતાં-વાંચતાં આવડતું હોય તો સારું. બાળકને રાખવા સાથે તેને વિવિધ રમતો રમાડે, વાર્તા કહે. બાળકને શરદી-ઉધરસ થાય તો તરત સારવાર કરાવી લે. ક્યારેક અચાનક ઘરે આવી તે કેવી રીતે બાળકને રાખે છે તે તપાસ પણ કરી લેવી. 

ડે-કેર સેન્ટર :

૨થી ૪ વર્ષનાં બાળક માટે વધુ યોગ્ય છે. અન્ય બાળકો સાથે રહેવા મળે. બાળક શરૂનાં ૧૫-૨૦ દિવસ અસાલમતી અનુભવે. પછી ટેવાઈ જાય છે કે ચોક્કસ સમય બાદ તો મમ્મી લેવા આવશે જ. આથી પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે.

બાળક પર મનોવૈજ્ઞાનિક અસર : 

બાળકને ૩ વર્ષ સુધી તો બને તેટલું વધુ સમય માતા સાથે રહેવા જ દેવું જોઈએ. પછી તે માતા વિના, દિવસનાં થોડા કલાક રહેવા ટેવાઇ જાય છે. શરૂઆતમાં તે નાનું હોય ત્યારે થોડું જિદ્દી, ચીડિયું બનશે. માતાને એવું લાગે કે ઓફિસેથી આવ્યા બાદ પણ તે અનુકૂળ થતું નથી, પરંતુ ગભરાવાની જરૂર નથી. પાછા આવ્યા બાદ તેની પાછળ થોડો સમય ફાળવીને તેને મનગમતી પ્રવૃત્તિ કરાવો. તેને નવડાવીને તૈયાર કરવાથી બાળક પણ હળવું થઈ જશે. મોટું થતું જશે તેમ પોતાને અને ઘરની પરિસ્થિતિને સમજી અનુકૂળ થતું જશે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon