Link copied!
Sign in / Sign up
0
Shares

જન્મ લેવાની દ્રષ્ટીએ પાકિસ્તાન સૌથી જોખમી દેશ :યુનિસેફ☹️☹️

યુનિસેફના રિપોર્ટ મુજબ નવજાત બાળકોના જન્મની દ્રષ્ટિએ પાકિસ્તાન સૌથી વધુ જોખમ ધરાવતો દેશ છે. નવજાત બાળકો જીવિત રહે તેના માટે સૌથી વધુ ધ્યાન આપવાની જરૂરિયાત હોય તેવા દશ દેશોમાં ભારત પણ સામેલ છે. આ રિપોર્ટ મુજબ જાપાન, આઈસલેન્ડ અને સિંગાપુર જન્મ માટે સૌથી વધારે સુરક્ષિત ગણાવવામાં આવ્યા છે. જાપાન, આઈસલેન્ડ અને સિંગાપુરમાં દર હજાર બાળકે માત્ર આવો એક જ મામલો સામે આવતો હોય છે.

યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ઈમરજન્સી ફંડ વિશ્વમાં બાળકોના કલ્યાણ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા છે. એવરી ચાઈલ્ડ એલાઈવ- ધ અર્જન્ટ નીડ ટૂ એન્ડ ન્યૂબોર્ન ડેથ્સ શીર્ષક હેઠળ યુનિસેફ દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ જાપાન, આઈસલેન્ડ અને સિંગાપુરને નવજાત બાળકો માટે સૌથી વધુ સુરક્ષિત દેશ માનવામાં આવે છે. આ દેશોમાં પ્રતિ હજાર બાળકો પર મોતનો માત્ર એક મામલો સામે આવતો હોય છે.

યૂનિસેફના રિપોર્ટમાં બાંગ્લાદેશ, ઈથોપિયા, ગિની-બિસાઉ, ભારત, ઈન્ડોનેશિયા, માલાવી, માલી, નાઈજીરિયા, પાકિસ્તાન અને તન્જાનિયાને નવજાત બાળકોને મોતથી બચાવવા માટે સૌથી વધુ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર હોય તેવા દેશોની યાદીમાં રાખવામાં આવ્યા છે. આ દશ દેશોમાં દુનિયાભરમાં નવજાત બાળકોના મોતના પચાસ ટકા મામલા સામે આવે છે. નવજાત બાળકો સંબંધિત મૃત્યુદરના મામલામાં પાકિસ્તાન સૌથી વધુ જોખમ ભરેલો દેશ છે. 2016માં પાકિસ્તાનમાં એક માસ સુધીમાં નવજાત બાળકોના મોતનો દર દર હજાર બાળકોએ 46નો હતો. 2014માં દર દશ હજારની વસ્તીએ માત્ર 14 તાલીમબદ્ધ હેલ્થ પ્રોફેશનલ્સ ઉપલબ્ધ હતા.

નવજાત બાળકોના સર્વાધિક મૃત્યુદર ધરાવતા દેશોમાં આઠ આફ્રિકન દેશો અને બે દક્ષિણ એશિયાઈ દેશો છે. આ યાદીમાં બીજા સ્થાન પર મધ્ય આફ્રિકી ગણરાજ્ય, ત્રીજા પર અફઘાનિસ્તાન અને ચોથા પર સોમાલિયા છે. રિપોર્ટ મુજબ આ દેશોમાં સંઘર્ષ, કુદરતી આફતો, અસ્થિરતા અને કુશાસન જેવી સમસ્યાઓનો પ્રભાવ આરોગ્ય પ્રણાલી પર પડે છે અને નીતિ-નિર્માતા પ્રભાવી નીતિ બનાવી શક્યા નથી.

2016માં નવજાત બાળકોના મોતના આંકડાની દ્રષ્ટિએ ભારત પ્રથમ સ્થાને હતું. ભારતમાં 2016માં છ લાખ ચાલીસ હજાર નવજાત બાળકોના મોત નીપજ્યા હતા. ભારતમાં નવજાત બાળકોના મૃત્યુદર પ્રતિ હજાર બાળકોએ 25.4નો હતો. દુનિયાભરમાં જન્મ લેવાના થોડા દિવસોની અંદર મોતને ભેંટનારા બાળકોના 24 ટકા મામલા ભારતમાં નોંધાયા હતા. નવજાતના મોતના મામલામાં પાકિસ્તાન બીજા ક્રમાંકે છે. 2016માં પાકિસ્તાનમાં બે લાખ 48 હજાર બાળકો જન્મના થોડા સમયગાળામાં મોતને ભેંટયા હતા.

યુનિસેફના રિપોર્ટ મુજબ.જાપાનમાં નવજાત મૃત્યુદર 0.9, આઈસલેન્ડમાં એક અને સિંગાપુરમાં 1.1નો મૃત્યુદર છે. આ ત્રણ દેશોમાં નવજાતના જન્મના પહેલા 28 દિવસોમાં હજાર બાળકો પર મોતનો માત્ર એક મામલો સામે આવે છે. આ યાદીમાં આ ત્રણ દેશો બાદ ફિનલેન્ડ, એસ્ટોનિયા, સ્લોવેનિયા, સાઈપ્રસ, બેલારુસ, કોરિયા ગણરાજ્ય, નોર્વે અને લક્ઝમબર્ગનું નામ આવે છે. અહીં તાલીમબદ્ધ હેલ્થ પ્રોફેશન્લની સંખ્યા પણ અપેક્ષાકૃત વધારે છે.

યૂનિસેફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સરેરાશ નવજાત મૃત્યુદર ત્રણ છે. તો ઓછી આવક ધરાવતા દેશોમાં નવજાત મૃત્યુદર પ્રતિ હજારે 27નો છે. જો દરેક દેશ પોતાને ત્યાં નવજાત મૃત્યુદરને ઉચ્ચ આવકવાળા દેશોના સ્તર પર લઈ આવે. તો 2030 સુધીમાં 1.6 કરોડ બાળકોને મોતના મુખમાંથી બચાવી શકાય તેમ છે. યૂનિસેફના રિપોર્ટ મુજબ. દુનિયાભારમાં દરરોજ લગભગ સાત હજાર નવજાત બાળકો કાળનો કોળિયો બને છે. આમાના 80 ટકા નવજાતને પ્રશિક્ષિત તબીબો, નર્સો, આરોગ્ય સુવિધાના અભાવમાં ગુમાવવા પડે છે. દુનિયાભરના લગભગ 26 લાખ બાળકો જન્મના એક માસની અંદર મોતના મુખમાં ધકેલાઈ જાય છે. તો વિશ્વમાં 26 લાખ બાળકો દર વર્ષે મૃત હાલતમાં જ જન્મે છે.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon