Link copied!
Sign in / Sign up
0
Shares

આનંદ એટલે શું? (એક નાનકડો લેખ)

આનંદ ઘણી વાર સમય વીત્યા પછી સમજાય છે. અમુક સમયે અમુક ઘટનાઓ તુચ્છ લાગે પણ સમય જતા એ જ ઘટનાઓ આનંદ બની રહે છે, આનંદ આપે છે!

* શાળાએ જતા નિકુંજ અને સરલા *

વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત

સરલા બહેન સવારે વહેલા ઉઠ્યા હતા. અસલ દેશી ઘી એના ભાઈ નિકુંજને ત્યાંથી લાવ્યું હતું ખાસ કરીને ભવ્ય અને ચાર્મી માટે! શહેરી જીવનમાં દેશી ઘી કેટલું અગત્યનું હોય છે એ તો શહેરમાં રહે એને જ સમજાય.

સરલા બહેને પણ અસલ દેશી ઘી નો નાસ્તો તૈયાર કરીને બંને બાળકો ભવ્ય અને ચાર્મીને જમાડી લીધા. બંનેને ધોયેલા કપડાં પહેરાવી દીધા. ભવ્યના ટૂંકા વાળા તો એ જાતે જ હોળાવી દેતો પણ ચાર્મીને શાળામાં બે ચોટલા ફરજીયાત હતા એટલે એને તો સરલા બહેન જ ગુંથી આપતા.

ચાર્મીના ચોટલા ગૂંથવામાં સમય લાગતો એટલે ભવ્ય એના મિત્રો સાથે જ ચાલ્યો જતો! ઘણીવાર અથવા રોજ આવું જ થયા કરતું!

એ દિવસે પણ એવું જ થયું હતું. નાસ્તો પતાવીને સરલા બહેન ચાર્મીના ચોટલા ગૂંથતા હતા. ભવ્ય તો ક્યારનોય તૈયાર થઈને બુટ મોજા પહેરી ઉભો હતો.

“મમ્મી જલ્દી કર, મોડું થાય છે.” ભવ્ય ત્રાસી ગયો હોય એમ કહેતો હતો.

ત્યાં જ એના ઘર આગળથી એના વર્ગના રમણ અને રાઘવ નીકળ્યા. ભવ્ય ને જોઈને રાઘવે કહ્યું, “ચાલ ભવ્ય મોડું થશે.”

“મમ્મી હું જાઉં છું.” કહી ભવ્ય દોટ મૂકીને રાઘવ પાસે ગયો.

સરલા બહેન કાઈ બોલ્યા નહિ. એમણે ફટાફટ ચોટલા ગુંથી દીધા. પછી ચાર્મીને શાળાએ મૂકવા ગયા. દરવાજે ગયા ત્યારે ચાર્મી દોડતી અંદર ચાલી ગઈ. એમણે જોયું તો ભવ્ય એના મિત્રો સાથે શાળાના કેન્ટીન આગળ ઉભો હતો. સરલા બહેનને થયું કે ભવ્ય સાતમા ધોરણમાં છે અને આ ચાર્મી ત્રીજામાં તો એ એને લઈ જતો હોય તો ! ખેર આજના છોકરા છે !

સરલા બહેને શાળાનું બોર્ડ જોયું. આજે શાળાનું બોર્ડ અલગ જ લાગ્યું! નચિકેતા પ્રાઈમરી સ્કૂલને બદલે વિનાયક પ્રાથમિક શાળા એવું બોર્ડ દેખાયું. સાઇનિંગ ભવ્ય પિત્તળના કંડારેલા અક્ષરોને બદલે એક લોખંડના પતરા ઉપર ચિત્રકારે લખેલા શબ્દો દેખાયા!

આરસપહાણની સીડીઓને બદલે ગામના દેશી કડીયાઓએ બનાવેલ સીડી દેખાઈ! ચોખ્ખા અને ચમકતા કપડામાં ફરતા બાળકોને બદલે થોડા ગોમા અને મેલા કપડવાળા બાળકો નજરે ચડ્યા!

કેન્ટીનને બદલે એક લારી દેખાઈ! લારી ઉપર રામુકાકા ચણા મમરા ભરીને કાગળ વાળતા હતા. બંધ થતાં કાગળમાંથી ચણા મમરાની ખુશબો આવીને કેન્ટીનની વાસી પફની ગંધને હડસેલવા લાગી.

દ્રશ્યો તરોતાજા થવા લાગ્યા.

સરલા બહેન નાનકડી બે ચોટલાવાળી સરલાને જોઈ રહ્યા. મોટો ભાઈ નિકુંજ એના પાસે જ ચાલતો હતો. બંને રામુકાકાની લારી તરફ જતા હતા… નિકુંજ વારંવાર એના ચોટલા ઉછાળી એને રડાવતો હતો.

“કાલથી તો હું મમ્મીને કહીશ એ મુકવા આવશે.” સરલા ખિજાઈને બોલી.

“હા હા હા હા મમ્મી મુકવા આવશે એમ? તો પછી વાડીએ શાકભાજીને પાણી પાવા કોણ જશે?” નિકુંજે ફરી એના ચોટલાને આંટી દીધી!

“તો એકલી આવીશ, પણ તારી સાથે તો નહીં જ આવું.” ઝીણી આંખો કરી અંગૂઠો અવળો કરી મોઢામાં નાખી ‘કચ’ અવાજ કરતી સરલા બોલી, “તારી કિટ્ટી જા….” અને બે વાર હોઠના ખુણા હલાવી મોઢું બગાડ્યું.

“અરે મારી નાનકી તને ખીજવવા માટે તો તારી સાથે આવું છું કિટ્ટી કરે એ ન ચાલે.”

“તું સાતમીમાં છે ને હું ત્રીજીમાં એટલે તું હેરાન કરે છે. નથી બોલવું જા મારે તારી જોડે.”

“અરે સરલા….” નિકુંજે એને ઊંચકી લીધી, એની આંખમાંથી આંસુ પડવાની તૈયારી જ કરતું હતું એને આંગળીના ટેરવે ઝીલી લીધું અને કહ્યું, “હું ભાઈબંધો સાથે જવાને બદલે તારી સાથે આવું છું કેમ કે રસ્તામાં કુતરા હોય, એરિયો જંગલ જેવો છે, તું હજુ નાની ઢીંગલી છે નાનકી….”

સરલાને તો કઈ સમજાયુ નહિ. એ બિચારી એમ જ સમજી કે મારો ભાઈ મને હેરાન કરી મૂકે છે! આખરે નિકુંજ એને રામુકાકાની લારીએ લઈ ગયો, ચણા મમરા અપાવ્યા અને સરલા ફરી ખિલખિલાટ હસતી સીડી ચડી ગઈ…..

“ઓ બહેન રસ્તામાંથી આઘા જાઓ ને…..” પાછળથી એક કારવાળાએ બુમ પાડી.

સરલા બહેન ઝબકીને જાગી ગયા, ભૂતકાળના સુંવાળા ખાટલમાંથી !

-વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon