Link copied!
Sign in / Sign up
0
Shares

10 હિન્દી ફિલ્મો જે તમારું વિકેન્ડ બનાવશે ખુશખુશાલ😍👌😍

આમ તો આવનારું આ વિકેન્ડ દિવાળી વિકેન્ડ હશે એટલે આ ફીચર વાંચનારાઓમાંથી ઘણા લોકો તો પોતાના શહેરથી દૂર ક્યાંક ફરી રહ્યા હશે અને જે લોકો પોતાના શહેરમાં જ હશે તે પોતાના સગાવ્હાલાઓને મળવામાં બીઝી હશે. પરંતુ તેમ છતાં શનિ-રવિની રજામાં જો સમય મળે અને આ બંને દિવસોમાં તમે ખૂબ હસવા માંગતા હોવ કે પછી તેને હળવાફૂલ રાખવા માંગતા હોવ તો અમારી પાસે એવા 10 ઓપ્શન્સ છે જે તમારા એ વિકેન્ડને સદાય યાદગાર બનાવી દેશે. તો ચાલો જોઈએ એ ઓપ્શન્સ

ક્વીન – 2014

અંતરાત્મા સાથે કરેલો એક અદ્ભુત પ્રવાસ એટલે ક્વીન. લગભગ ત્રણ વર્ષ અગાઉ રીલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ નબળું ઓપનીંગ મળ્યું હતું, પરંતુ અચાનક જ માઉથ પબ્લીસીટીને લીધે ફિલ્મે તેના પર થયેલા રોકાણ કરતા અનેકગણી કમાણી કરી હતી. કંગના રનૌતની કારકિર્દીને એકદમ નવો વળાંક આ ફિલ્મે જ આપ્યો હતો. ક્વીનના ડાયલોગ્સ અને કંગનાની અદાકારી આજે પણ લોકોના મનમાં છવાયેલી છે.

દિલ ચાહતા હૈ – 2001

આ ફિલ્મને મોડર્ન ક્લાસિક કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં હોય. ફરહાન અખ્તરે આ ફિલ્મ સાથે પોતાનું ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં ફ્રેન્ડશીપની એક અનોખી કથા વણી લેવામાં આવી છે અને આ ફિલ્મથી જ બોલીવુડમાં મોડર્ન ઢંગથી વાર્તા કહેવાનું શરુ થયું હતું એમ પણ કહી શકાય. આમીર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્નાએ તેમના શ્રેષ્ઠ પરફોર્મન્સ આ ફિલ્મ માટે આપ્યા હતા.

ઈંગ્લીશ વિન્ગ્લીશ – 2012

એક રીતે જોવા જઈએ તો આ શ્રીદેવીની કમબેક ફિલ્મ હતી અને તેણે પોતાનું સઘળું આ ફિલ્મના પર્ફોર્મન્સમાં રેડી દીધું હતું એમ જરૂરથી કહી શકાય. એક સાધારણ ગૃહિણી જ્યારે અંગ્રેજી શીખવાનું નક્કી કરી લે છે ત્યારબાદ તેને પડતી મુશ્કેલીઓનો સામનો તે કઈ રીતે કરે છે તેની સુંદર વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. શ્રીદેવીનું પર્ફોર્મન્સ જેટલું સુંદર છે એટલો જ સુંદર આ ફિલ્મનો અંત પણ છે, જોવાનું ચુકતા નહીં.

વેક અપ સીડ – 2009

એક યુવાન જ્યારે પોતાની જિંદગીનો મતલબ શોધતા શોધતા કોઈ મધ્યમ ઉંમરની યુવતી સાથે ટકરાય અને પછી શું થાય તેની વાર્તા આ ફિલ્મમાં કરવામાં આવી છે. નાની ઉંમરના યુવાનને તેનાથી સારી એવી મોટી યુવતી સાથે પણ પ્રેમ થઇ શકે છે જે તેની રફેદફે થયેલી જીંદગીને ટ્રેક પર લાવવાનું કાર્ય કરે છે તેને અદ્ભુત રીતે અહીં કહેવામાં આવી છે.

પીકુ – 2015

અત્યંત કચકચ કરતા અને બંધકોશની બીમારીથી ગ્રસ્ત એવા પિતાને હેન્ડલ કરતી પરંતુ પોતાની દુનિયામાં મસ્ત રહેતી પીકુની વાર્તા. જાજરૂ અને પાચનતંત્ર પણ ફિલ્મનો વિષય બની શકે છે તે આ ફિલ્મે સાબિત કર્યું હતું. દીપિકા પદુકોણ અને અમિતાભ બચ્ચનની પુત્રી-પિતાની કેમેસ્ટ્રીએ આ ફિલ્મમાં ધમાલ મચાવી હતી. આ ઉપરાંત ઈરફાન ખાનની ઉપસ્થિતિએ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

અંદાઝ અપના અપના – 1994

આ ફિલ્મ વિષે કશું પણ કહેવું ઓછું લાગશે. બોક્સ ઓફીસ પર સદંતર નિષ્ફળ ગયેલી આ ફિલ્મ સતત બે પેઢીઓને એક સરખું મનોરંજન આજે પણ આપી રહી છે. આમીર ખાન અને સલમાન ખાન ઉપરાંત ડિરેક્ટર રાજકુમાર સંતોષીની પણ એક અલગ રેન્જ આ ફિલ્મે દર્શાવી છે. ફિલ્મનો એક એક ડાયલોગ આજે પણ લોકો પોતાની રોજીંદા બોલચાલમાં છૂટથી વાપરે છે. અને હા મજા કરાવવામાં પરેશ રાવલનો ફાળો પણ ઓછો નથી.

જબ વી મેટ – 2007

ઈમ્તિયાઝ અલીની યાત્રાઓમાંથી સૌથી સફળ યાત્રા એટલે જબ વી મેટ. મસ્તીખોર અને જીવંત ગીત અને શાંત, મૃદુ આદિત્યનો અલગ સ્વભાવ હોવા છતાં એક યાત્રા કેવી રીતે એક બીજાને એક કરે છે તેનું સુંદર વર્ણન આ ફિલ્મ કરે છે અને તે પણ અત્યંત હળવાશથી. આ ફિલ્મનું સૌથી મોટું જમાપાસું છે તેના ગીતો જે એક એકથી ચડિયાતા છે.

ગોલમાલ – 1979

જ્યારે જીવન ટકાવી રાખવાનો સવાલ ઉભો થાય ત્યારે જુઠ્ઠું બોલવું પણ પડે, પરંતુ એક અસત્ય એક પછી એક અસંખ્ય અસત્યોને જન્મ આપે છે અને તેની સાથે તેમાં વિવિધ લોકોને પણ સામેલ કરવા પડે છે આ પ્રકારની ફિલોસોફી આ હ્રીશીકેશ મુખરજી બ્રાન્ડ ગોલમાલમાં કહેવામાં આવી છે. અમોલ પાલેકર, ઉત્પલ દત્ત અને દીના પાઠકના અદ્ભુત પર્ફોર્મન્સે ફિલ્મને યાદગાર બનાવી દીધી છે. આ એક એવી ફિલ્મ છે જે જેટલીવાર જોઈએ તેટલી વાર નવી જ લાગે.

ચૂપકે ચૂપકે – 1975

આ હળવાફૂલ લીસ્ટમાં હ્રીશીકેશ મુખરજીની બીજી ફિલ્મ હોવી એ સાબિત કરે છે કે મનોરંજનની વાત આવે ત્યારે હ્રીશી’દાનો હાથ પકડી શકે તેવું સામર્થ્ય બીજો કોઈજ ડિરેક્ટર ધરાવતો નથી. નવીનવી પત્નીના મુખે તેના જીજાજીની વારંવાર થતી પ્રશસ્તિ સહન ન થતા પતિ તેનો આ ભ્રમ ભાંગવા પોતાના મિત્રોની મદદ લઈને કેવો પ્લાન બનાવે છે તે વાર્તા આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન ઉપરાંત ઓમ પ્રકાશની અદાકારી આ ફિલ્મનો જીવ છે.

જાને ભી દો યારોં – 1983

દેશમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અંગે અગાઉ ભાગ્યેજ કોઈ ફિલ્મે ચર્ચા કરી હશે અને જાને ભી દો યારોં એ આ સમસ્યાનું ઊંડાણ હસાવતા હસાવતા આપણને સમજાવી દીધું છે. ફિલ્મ NFDC દ્વારા અત્યંત ઓછા બજેટમાં બનાવવામાં આવી હતી પરંતુ આ જ ફિલ્મે આપણને નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, નીના ગુપ્તા, ઓમ પૂરી, સતીશ કૌશિક અને સતીશ શાહ જેવા ઉત્કૃષ્ટ કલાકારો પણ આપ્યા હતા. આ લીસ્ટમાં આ બીજી એવી ફિલ્મ છે જેના સંવાદો અત્યંત લોકપ્રિય થયા છે અને તેમાંય ફિલ્મનો છેલ્લો મહાભારતના નાટકવાળો સીન આજેય લોકો પેટભરીને માણે છે.

આ તો ફક્ત 10 જ એવી ફિલ્મ છે જે તમારા વિકેન્ડને મનોરંજક બનાવી શકે છે, બાકી બોલીવુડે આપણને એવી અસંખ્ય ફિલ્મો આપી છે જે તમારું વિકેન્ડ તો શું એક આખું વિક હસતા હસાવતા પસાર કરાવી શકે છે.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon